દોસ્ત અહીં થાવું છે અમર કોને

Published by Admin at 1:00 am under Poems

લખવું છે નામ રેત પર કોને,
છે વફાદાર જળ-લહેર કોને.

કોણ કોને છળે, ખબર કોને,
રહગુજર કોને, રાહબર કોને.

કોઇ સામે નથી, કશું જ નથી,
તો ય તાકે છે નિત નજર કોને.

મ્હેકતી આંખ, મ્હેકતાં દૃશ્યો,
કોણ કરવાનું તરબતર કોને.

હું જ છું એક જે ગમું એને,
બાકી ભેટે છે પાનખર કોને.

મોતી નીકળ્યા કરે છે આંખોથી,
સ્વપ્નમાં આવ્યું માનસર કોને.

જાણું છું શ્વાસની દગાબાઝી,
છે ભરોસો હવા ઉપર કોને.

સર્વને આવકારે સમ-ભાવે,
ના કહે છે કદી કબર કોને.

બે ઘડી આ ગઝલ ગમી તો બસ,
દોસ્ત અહીં થાવું છે અમર કોને.

3 responses so far

3 Responses to “દોસ્ત અહીં થાવું છે અમર કોને”

  1. Ashutosh says:

    Good one.

  2. Gaurav Patel says:

    ભલે તમને અમર ન્હોતુ થાવું મનોજજી, પણ તમારી રચનાઓ એ તમને અમર કરી નાખ્યા..

  3. girish khatri says:

    તમે તો અમર રહેવા જ સરજાયા છઓ

Leave a Reply