કોઈ કહેતું નથી

Published by at 11:29 pm under Poems

લાલઘૂમ તાપમાં મ્હોરતો, મસ્તીનો
તોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
આ નગરની વચોવચ હતો એક
ગુલમ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

પૂછું છું બારને-બારીને-ભીંતને
લાલ નળિયા-છજાં-ને વળી ગોખને-
રાત દિ’ ટોડલે બેસીને ગ્હેકતો
મોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

કૈં જ ખૂટ્યું નથી, કૈં ગયું પણ નથી
જરઝવેરાત સહુ એમનું એમ છે;
તે છતાં લાગતું સઘળું લૂંટી અને
ચોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

સાવ સૂની બપોરે ઘડી આવીને
એક ટહુકો કરી, ફળિયું ભરચક ભરી
આંખમાં આંસુ આંજી અચાનક
શકરખોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

કેટલાં વર્ષથી સાવ કોરાં પડ્યાં
ઘરનાં નેવાં ચૂવાનુંય ભૂલી ગયા
ટપકતો ખાલીપો પૂછતો : મેઘ
ઘનઘોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

જિંદગીના રૂપાળા ચહેરા ઉપર
ઉઝરડા ઉઝરડા સેંકડો ઉજરડા
કોણ છાના પગે આવી મારી ગયું
ન્હોર, તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

પાછલી રાતની ખટઘડી એ હજી
એ તળેટી ને એ દામોદર કૂંડ પણ-
ઝૂલણા છંદમાં નિત પલળતો
પ્રથમ પ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

4 responses so far

4 Responses to “કોઈ કહેતું નથી”

  1. leena bhatt says:

    જુનાગધ નિ વાત આવે અને દિલ હાથમા રહે? મનોજભૈ તમે તો પાડોશમા જ હતા પણ કવિતાનેી સમજણ હવે આવિ.

  2. mamta dave says:

    amazing , svare-svar ma junagadh swashe 6,

  3. chetan says:

    અફ્લાતુન્

  4. Kamal patel says:

    જોરદાર

Leave a Reply