અમે તો ભાષાનો લયમય મલાજો, લઇ ઊભા

Published by at 12:21 am under Poems

ન આવ્યા જે બા’રા બરછટ અવાજો, લઇ ઊભા
અમે આ છાતીમાં જખમ નિત તાજો લઇ ઊભા

પળો જે જે સામે મળતી રહી તે લૂંટતી રહી
અમે આ વેળાનો રસભર તકાજો લઇ ઊભા

હશે કોનો તેની જરી સરખી ના જાણ અમને
અમે તો સ્કંધે કૈં વરસથી જનાજો લઇ ઊભા

નથી તૂટ્યોફૂટ્યો તરડ પણ એકે નથી પડી
મળેલો મૂંઝારો અબતલક સાજો લઇ ઊભા

ગળે ડૂમો એવો હરદમ મળ્યો માપસરનો
નહીં ઓછોયે કે નહીં જરાય ઝાઝો, લઇ ઊભા

પ્રતીક્ષા છે ક્યારે જનમભરનાં લંગર છૂટે
બુઝાતા શ્વાસોના તટ પર જહાજો લઇ ઊભા

અમારાથી થૈ ના કદી પણ અનાવૃત કવિતા
અમે તો ભાષાનો લયમય મલાજો, લઇ ઊભા

– મનોજ ખંડેરિયા

5 responses so far

5 Responses to “અમે તો ભાષાનો લયમય મલાજો, લઇ ઊભા”

 1. પ્રિય વાણી અને ઋચા, આપનાં વ્હાલા પિતાશ્રીની વેબસાઈટ માટે અઢળક અભિનંદન… અને અમારા વ્હાલા કવિશ્રીની વેબસાઈટ માટે આપનો મબલખ આભાર… ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ સહ… સ્નેહવંદન.

 2. girish khatri says:

  દિલ ના ઝખ્મ યાદ આવી ગયા.

 3. Sanjay Vanani says:

  good i am very happy to read here my favourite poem . wish u all the best

 4. Shivam says:

  હનુ જ સરસ !

 5. nirav says:

  this poem is nearest to my heart ………

Leave a Reply