શાહમૃગો

Published by at 11:54 pm under Poems

શાહમૃગોનાં રૂપે રૂપે વારી ગયાં રે લોક
શાહમૃગોને પકડીને વાડામાં રાખ્યાં
શાહમૃગોની ફરતો દીવાલ કેરો પ્હેરો
શાહમૃગોને જીવ માફક જાળવતાં શહેરો
શાહમૃગોને ઝાંપા કેરી તરડ મહીંથી રોજ હજારો
જોઈ જાતી આંખો
શાહમૃગોને જોવા આવે નગર
શાહમૃગોને જોવા આવે ગામ
ગામની સીમ
સીમમાં ધૂધરિયાળી વેલ
“વેલમાં બેઠો વાણિયો કંઈ કાગળ લખતો
કાગળમાં બે પૂતળિયું કંઈ હસતી રમતી”
વાતો કરતી
વાતોમાં એ શાહમૃગોનાં સપનાં જોતી
શાહમૃગોને રૂપે મ્હોતી
શાહમૃગોને કહેતી
શાહમૃગો ઓ શાહમૃગો, અમને વરવા આવો
અમે તરસીએ રૂપ તમારું, અમને હરવા આવો
પૂતળીઓએ
બાળપણામાં હોળી-ખાડે વ્હેલી સવારે
કંકુ છાંટી – દીવો મૂકી – કરી નાગલા – કર જોડીને
ઘર માગ્યું’નું શાહમૃગોનું
વર માગ્યા’તા શાહમૃગોના.
શાહમૃગો તો બાળકનાં સપનાંમાં આવે
પરીઓ સાથે આવે
શાહમૃગો તો
હવે વૃધ્દ્રની બધી બોખલી વાતવાતમાં આવે
શાહમૃગો પર
મૂછનો બોરો ફૂટ્યો એવા જુવાન ખુશખુશ
શાહમૃગો પર
સોળ વરસની કન્યા ખુશખુશ
શાહમૃગોની પાંખે મોહ્યો તડકો
રોજ સવારે શાહમૃગોનાં પટપટ પીછાં ગણતો
શાહમૃગોની ઋજુ રેશમી પતલી ડોકે
હવા ચૂમતી જાય.
વાડે રાખ્યાં શાહમૃગો તો
લળકત લળકત ડોકે
જુએ દીવાલો
જુએ ઝાંપલો
કદી કદી આકાશે માંડે આંખ
પ્રસારે પાંખ
છતાંયે કેમે ના ઉડાય
શરીર બાપડું ભારે એવું
પાંખ એટલો ભાર ઝીલી શકે ના ભાર.
એક સવારે
આવી નીરખવા આંખો થઈ ગઈ વ્યાકુળ
સાવ ઝાંપલો ખુલ્લો
શાહમૃગો વિણ વાડો ખાલી ખાલી
બુમરાણ મચાવી આંખોએ કે
શાહમૃગો તો ભાગ્યાં.
બૂમ પડીને ઘર કંઈ વ્યાકુળ
બૂમ પડીને ઘર શેરી વ્યાકુળ
આકુળવ્યાકુળ ગામ પકડવા શાહમૃગોને દોડ્યું
ગામે વાત કરી નગરોને
નગર નગરની ભીંતો દોડી
શેરી દોડી
રસ્તા દોડ્યા
મકાન દોડ્યાં
બારી દોડી
ઊંબર દોડ્યા
બાર-ટોડલા દોડ્યા
દુકાન દોડી
દુકાન-ખૂણે પડ્યાં ત્રાજવાં દોડ્યાં
શાહમૃગોનાં રૂપના પાગલ સહુ રે દોડ્યા.
શાહમૃગો તો સહુને પાછળ આમ આવતા જોઈ
બમણી તીર-વછૂટી ગતિએ નાઠા
ક્યાંક ભડકતા ભાગ્યા હફરક….હફરક….
આખા પંથે ધૂળ ઉડાડી હફરક….હફરક….
ધૂળના ઊંચા પ્હાડ ઉડાડી હફરક….હફરક….
ધૂળથી આખું આભ ઢાંકતાં જાય
દોડતા જાય
ક્ષિતિજની પાર નીસરી જાય
દૂર દૂર તે ક્યાંય ઊતરી જાય
ક્યાંય….
શાહમૃગોના પગની ધૂળે
હજીય કંઈ વરસોથી આજે
ગામ ગામ અટવાય
ભીંત ભીંત આટવાય.
શાહમૃગોનાં રૂપની પાગલ આંખે
ધૂળ ભરાતાં થઈ આંધળી-ભીંત
આંખ ચોળતા લોક દોડતા પૂછે :
શાહમૃગો પકડાયાં ?
શાહમૃગોને ઝાંપા કેરી તરડ મહીંથી રોજ હજારો
જોઈ જાતી આંખો પૂછે :
શાહમૃગો એ ક્યાં છે ? ક્યાં છે ?
શાહમૃગોની વાટ નીરખતી પૂછે પૂતળીઓ :
શાહમૃગોને લાવ્યા ?
ઘડી વિસામો લેવા બેઠો
વડની છાંયે વૃધ્દ્ર બબડતો :
આ ચિરકાળથી દોડી રહેલા શાહમૃગો તો
હવે અટકશે ક્યારે, ક્યારે, રામ ?
શાહમૃગોની કરે પ્રતીક્ષા આંખ.

8 responses so far

8 Responses to “શાહમૃગો”

 1. vani says:

  One of my all time favorite!! I loved to listen to Papa when he recited this one…

 2. Bhavesh N. Pattni says:

  સાહિત્ય પરિષદના એક કાર્યક્રમ માઁ આ કવિતા, ક્ષણો ને તોડવા બેસુઁ અને કોઈ કહેતુઁ નથેી ત્રણેય એમનેી પાસેથેી રુ-બ-રુ સાઁભળવાનેી મજા જ કઁઈક ઑર હતેી. મારેી પાસે તેમનો ઑડિયો પણ છે.

 3. Bhavesh N. Pattni says:

  મારી પાસે મનોજભાઈના અવાજમાં રેકોર્ડ થયેલી આ ચાર કવિતાઓ છે.
  1. ક્ષણોને તોડવા બેસું
  2. હાથમાં કારોબાર રાખ્યો તેં
  3. લાલઘુમ તાપમાં
  4. શાહમૃગો
  જો આપ વેબસાઈટ પર ઑડિયો પબ્લીશ કરવા માગતા હોવ તો હું ખુશીથી આ ઑડિયો આપને મોકલી આપીશ
  સાભાર, ભાવેશ એન. પટ્ટણી

 4. Saurin says:

  Mr. Bhavesh. can u please share that audio on this email: saurin22saurin@gmail.com

  Thanx in Advance.

 5. Kamlesh B.Joshi says:

  આન્ગત રિતે આપનિ પાસેથિ સાઁભળવા મલેલા શાહમ્રુગો ને કેમ ભુલાય્

 6. Jiten Sandhe says:

  મને યાદ આવે નવસારિના લક્ષમણ હ્લોલ નિ એ રાત ! લગભગ ૧૯૭૦ નિ એ વાત ! મનોજભાઇને રુબરુ જોવા નો લાભ કઇ રિતે ભુલિ શકુ ! શાહ્મમ્રુગ બદલ આભાર

  -જિતેન સાંઢે

 7. Nilesh Bhatt (Ghayal) says:

  વાહ ! ઘણા વરસો પછી મનોજ મામાને રૂબરૂ મળ્યાનો અનુભવ થયો..
  જરાય દોસ્તો ખબર નથી કે, અમોને શાની સજા મળી છે,
  કશુંય તહોમત નથીજ માથે, વગર ગુનાની સજા મળી છે…..
  લગભગ ૩૦ વરસ પહેલા તેમના મુખેથી આ રચના સાંભળી હતી .

 8. Boog says:

  Hey, that’s powlufre. Thanks for the news.

Leave a Reply