About the Poet

કવિશ્રી મનોજ ખંડેરિયા ગુજરાતી પ્રયોગશીલ કવિતાના એક અગ્રણી સર્જક છે. ગુજરાતી કવિતા ક્ષેત્રે સાતમા દાયકામા સક્રિય થયેલા ને પછીથી પોતાની આગવી કવિવ્યકિતતા સ્થિર અને સિધ્ધ કરી ચૂકેલા કવિશ્રી મનોજ ખંડેરિયાનુ કાવ્ય્સાહિત્યના ઈતિહાસમા માનભર્યુ સ્થાન છે. ગુજરાતી ગઝલની તાસીર બદલવામા અને ગઝલને એક સ્વાય્ત્ત કાવ્યસ્વરુપ તરિકે પ્રતિષ્ઠા અપાવવામા પ્ર્યોગશીલ ગઝલકારોમાં મનોજ ખંડેરિયાનો કાવ્યપુરુષાર્થ ધ્યાનાર્હ છે.

ઈ.સ. ૧૯૪૩ની છઠ્ઠી જુલાઈઍ જુનાગઢ મુકામે મનોજ ખંડેરિયાનો જન્મ. પિતા વ્રુજલાલભાઈ અને માતાનુ નામ વિજયાબહેન. પિતાજી મહેસુલી અધિકારી હોવાને કારણે વારમ્વાર બદલીઑ થતી રહેતી. પરિણામે એમને ધોરાજી, વેરાવળ, મોરબી, રાજકોટ, જામનગર જેવ અનેક શહેરોમા સ્થળાન્તર કરવાનુ બનતુ રહ્યુ. આ વિવિધ સ્થળોએ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ લઈને તેઓ ૧૯૬૫મા બી.એસસી.ની પદવી મેળવી. ૧૯૬૭મા એલએલ.બી. થયા અને ૧૯૬૮થી જૂનાગઢમા જ વકીલાતનો આરંભ કર્યો. સાથોસાથ કેટલોક સમય વાણિજ્ય કાયદાના વિષયનુ અધ્યાપનકાર્ય પણ એમણે કર્યુ. ૧૯૮૪થી તેઑ પથ્થરની ખાણના ઉધોગક્ષેત્રે પણ સંકળાયા. અલબત્ત, ઉધ્યોગ નિમીત્તે પથ્થરની સાથે પનારો પાડવા છતાં પણ, સૌ કોઈએ હંમેશા એમની વ્યક્તિતા અને કવિતામાં તો પુષ્પસહજ સુકુમારતાનો જ અનુભવ કર્યો છે.

નરસિંહની ભૂમિમાં જનમ અને ગઝલ મળવાને પરિણામે પોતાની જાતને ધન્ય સમજતા કવિશ્રી મનોજ ખંડેરિયાનો જૂનાગઢ સાથેનો મજજાગત એવો અનુબંધ રહ્યો છે. એમના સર્જક-વ્યક્તિત્વને ઘડવામાં પણ જૂનાગઢના સાહિત્યિક વાતાવરણનો જબરો હિસ્સો છે. અહીં, ‘મંગળવારિયું’ અને ‘મિલન’ સંસ્થાના નેજા હેથળ કવિમિત્રો મળતા. એ નિમિત્તે મનોજ્ભાઈના આરંભકાલીન કાવ્યસર્જનને કાવ્યમર્મજ્ઞ પ્રો. તખ્તસિંહ પરમારનાં સાહિત્યિક સૂચન-માર્ગદર્શનનો લાભ મળ્યો. આ ઉપરાંત મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’ કે પાજોદ દરબાર – કવિશ્રી રુસ્વા મઝલૂમી જેવા સર્જકોનો સંપર્ક-સંસર્ગ પણ એમને લ્હાવો મળ્યો.

મનોજભાઈ અને તેમના પત્ની પૂર્ણિમાબહેન સાથે મૈત્રીપૂર્ણ દામ્પત્યજીવન. વહાલસોયાં સંતાનો વાણી-ઋચા-અભિજાત અને પૌત્રી હ્રિષા પણ એટલા જ પ્રેમાળ. મનોજભાઈને પૂજ્ય મોરારિબાપુ અને વંદનીય શ્રી નાથાલાલ જોષી જેવા સંતના આશીર્વાદ પામવાનું સદભાગ્ય મળ્યુંઃ તો રાજેન્દ્ર શુક્લ, રમેશ પારેખ્, અનિલ જોશી, ચિનુ મોદી, પ્રફુલ્લ નાણાવટી જેવા સર્જકોનું સખ્ય પણ સાંપડયું. આ ઉપરાંત સુરેશ દલાલ, રઘુવીર ચૌધરી, ચંદ્રકાન્ત શેઠ, ધીરુ પરીખ, કુમારપાળ દેસાઈ, વિનોદ જોશી, હરિશ્ચન્દ્ર જોશી જેવા અન્ય અનેક સાહિત્યકારોને પણ મનોજ્ભાઇ પ્ર્ત્યે નિર્વ્યાજ અને નિતાન્ત પ્રેમ.

મનોજ ખંડેરિયા એ કાવ્યસર્જનના શ્રીગણેશ તો ૧૯૫૬-૧૯૬૦ થી કર્યા હતા, પરંતુ કવિતાના પ્રકાશન અંગે બિલકુલ ઉતાવળ ન કરવાની પરમાર સાહેબની – ગુરુજીની સ્પષ્ટ સલાહ અને શિખામણ હતી એટલે આદિલ મન્સૂરી, મણિલાલ દેસાઇ વગેરે મિત્રોના આગ્રહને કારણે છેક ડિસેમ્બર, ૧૯૬૫ માં બે ગઝલ ‘કુમાર’ માટે મોકલી. એમાંથી ‘દીવાલો’ શીર્ષકની રચના ફેબ્રુઆરી ૧૯૬૬ ના ‘કુમાર’ માં પ્રકાશન પામી. ચારેક દાયકાના સાતત્યપૂર્ણ કાવ્યસર્જનના સુફળરુપે મનોજભાઈ પાસેથી ‘અચાનક’ (૧૯૭૦) અને ‘અટકળ’ (૧૯૭૯) કાવ્યસંગ્રહો; અંજની કાવ્યો નો સંગ્રહ ‘અંજની’ (૧૯૯૧) તેમજ કેવળ ગઝલસંગ્રહ ‘હસ્તપ્રત (૧૯૯૧) સાંપડે છે. ‘કોઈ કહેતુ નથી’ (૧૯૯૪) નામે એમની ગઝલોનું સંપાદન પણ થયું છે, કવિની તમામ પ્રકારની રચનાઓમાંથી સવાસો કાવ્યો ‘એમ પણ બને’ (૨૦૦૪) શિર્ષકથી સંપાદિત થયો છે. ‘ક્યાંય પણ ગયો નથી’ કવિનો છેલ્લો ગઝલસંગ્રહ છે. કવિના ‘અચાનક’, ‘અટકળ’ અને ‘અંજની’ સંગ્રહો અનુક્રમે ગુજરાત રાજ્ય સરકાર, ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્ક્રુત થયા છે; તો ‘હસ્તપ્રત’ને અકાદમી અને પરિષદ બંનેનાં પારિતોષિકો મળ્યાં છે. ૧૯૯૯માં આઈ.એન.ટી. (મુંબઈ) દ્વારા કલાપી એવોર્ડ અર્પણ કરીને, કવિની સર્જકપ્રતિભાનું યથોચિત અભિવાદન થયેલું. એવોર્ડની પૂરેપૂરી રકમ એમણે આઈ.એન.ટી.ને પરત કરી અને એમાંથી વર્ષ દરમ્યાન પ્રગટ થયેલા ઉત્તમ ગઝલસંગ્રહને ‘બાલાશંકર કંથારિયા પારિતોષિક’ આપવાનું સૂચન કર્યુ. કવિની હયાતીમાં જ જાહેર થયેલો ૨૦૦૨ના વર્ષનો ધનજી કાનજી સુવર્ણચંદ્રક પણ એમનાં પરિવારજનોને અર્પણ કરવામાં આવ્યો. કવિના સત્વશીલ સર્જકકર્મની એ રીતે વ્યાપક સ્તરે આદરપૂર્વક નોંધ લેવાતી રહી છે. આ સાથે તેમણે આધ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિના સ્થાપક-પ્રમુખપદની જવાબદારી એમણે નિર્ભર રહીને અને નિષ્ઠાપૂર્વક રીતે બજાવેલી.

સાચા સર્જકને છાજે એવા સંયમ અને વિવેક પણ મનોજ ખંડેરિયાના આગવા ગુણ. ખોટી વાહવાહથી સર્જકને માર પડે છે એવી એમની દ્રઢ માન્યતા હતી અને અંદરની ‘નીડ’ જણાય કે અનિવાર્યતા ઉભી થાય ત્યારે જ લખવું જોઈએ એવી એમની સ્પષ્ટ સમજ હતી. લખ્યા પછી પણ, તરત જ અને બધું જ પ્રગટ કરવાને બદલે એ રચનાના હીરની પોતાને પ્રતીતિ થાય પછી જ પ્રગટ કરવું એવી પક્વતા પણ તેઓ ધરાવતા હતા. સિલેક્શન-રિજેક્શનનો એમનો વિવેક જબરો હતો.

મનોજ ખંડેરિયાનાં વ્યક્તિત્વ અને ક્રુતિત્વ વચ્ચે પણ અવિનાભાવી એવો અનુબંધ. પીંછા સમી મ્રુદુતા અને કમળતંતુ સમી મુલાયમતા એમની વ્યક્તિતા અને કવિતાનાં પોતીકા લક્ષણો. એમના પ્ર્ત્યક્ષ-પરોક્ષ પરિચયમાં આવનાર સૌ કોઈ સ્વભાવિક રીતે જ, એમના વ્યક્તિત્વથી અંજાય ને એમના મુલાયમ કવિત્વથી પણ ભીંજાય. સરળતા અને સહ્રદયતા, મનોજભાઈના વ્યક્તિત્વ સાથે અવિનાભાવે જોડાયેલાં ગુણ-લક્ષણો. એમને મળનાર સૌ કોઇ, એક મોટા ગજાના કવિની સરળતા-સાલસતા વિશે સુખદ આક્ષ્ચર્ય અનુભવે. શ્રી અને સરસ્વતીનો ભાગ્યે જ જોવા મળતો મણિકાંચનયોગ મનોજભાઇમાં થયેલો. પરંતુ શબ્દ અને સંપત્તિની અઢળક સમ્રુદ્ધિની વચ્ચે પણ તેઓ હંમેશા જાતને જળકમળવત રાખી શક્યા. એમને ન તો શબ્દનું ચપટીકેય ગુમાન કે ન તો સંપત્તિનું લેશમાત્ર અભિમાન.

પ્રેમના પ્ર્દેશના આવા મ્રુદુ માણસને કેન્સરનું દર્દ હોવાનું નિદાન થયું ત્યારે સૌ કોઇએ આંચકો અનુભવ્યો. જોકે બધાને પ્રેમથી વશ કરનાર મનોજભાઈએ, અસાધ્ય વ્યાધિને પણ વશ કરી લીધો હતો ને સફળતાપૂર્વકના ઓપરેશન બાદ તબીબોએ પણ એમને ચિંતામુક્ત જાહેર કર્યા હતા. પરંતુ તેમ છતાંય એકાએક જ કોણ જાણે કેમ આ કવિ અચાનક આપણી વચ્ચેથી એમ જ ઊઠી ગયા!

‘આ સીધી વાટ છોડીને ચાલ્યો જ્વાનો સાવ ,
શબ્દો સપાટ છોડીને ચાલ્યો જ્વાનો સાવ.

સમ્રુદ્ધિ આ અખંડ દીવાની તને દઈ-
ઘર ઝળહળાટ છોડીને ચાલ્યો જ્વાનો સાવ.’
(ક્યાંય પણ ગયો નથી)

- એવું કહેનારા ‘અચાનક’ ના કવિ સત્તાવીસમી ઓક્ટોબર, ૨૦૦૩ ની વહેલી સવારે અચાનક જ ચાલ્યા ગયા! એમના અવસાન પછીથી ત્રણ સંગ્રહ બહાર આવ્યા એમના પરિવારજનો અને સહ્ર્દયોની મહેનતથી – ‘વરસોનાં વરસ લાગે’ (મનોજ ખંડેરિયાની સમગ્ર કવિતા), ‘શબ્દ જન્મ્યા પરવાળામાં (મનોજ ખંડેરિયાના કાવ્યોનો આસ્વાદ), ‘હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે’ (મનોજ ખંડેરિયા વિશેના સ્મરણલેખો-અભ્યાસલેખો).

મનોજ ખંડેરિયાનાં ગીત, અંજની ગીત, ગઝલ કે છાંદસ-અછાંદસ કાવ્યોમાંથી પ્રગટ થતા રમણીય રુપો કવિને, એક નિતાંત સૌન્દર્યરાગી કવિ તરીકેની પ્રતિષ્ઠા અપાવે છે. એમના કાવ્યોમાંની સુક્ષ્મ સંવેદનશીલતા અને શુદ્ધ સૌન્દર્યાભિમુખતા, ઇન્દ્રિયગ્રાહ્યતા – કલ્પનરાગિતા અને પ્રતીકાત્મકતા કવિની નિજી વ્યક્તિતા ઉપસાવે છે. એમાંયે સૌન્દર્ય-સુકૌમાર્યના ગુણથી સોહતી એમની ગઝલ વિશેષ સ્પ્રુહણીય બને છે. પીંછાં સમી મ્રુદુ અને કમળતંતુ સમી મુલાયમ ગઝલોથી ગઝલ-કવિતાને રળિયાત કરતાં મનોજ ખંડેરિયા ગુજરાતી ગઝલનું નાજુક-નમણું સીમાચિન્હ બની રહેશે.

This page has the following sub pages.

Comments Off

Comments are closed.